[‘ચાલતા રહો, ચાલતા રહો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
માણસ
સમાજમાં જીવે છે, છતાં સ્વભાવે તે વ્યક્તિવાદી છે. પોતાની ઈચ્છા પ્રમાણે
જીવવા તે સતત કોશિશ કર્યા કરે છે, પરંતુ સમાજ વિના તે જીવી શકતો નથી. એટલે
કે, તેને પોતાના કરતાં જુદા સ્વભાવના, જુદા વિચારના, જુદા મિજાજના માણસો
સાથે જીવવું પડે છે. આ રીતે જીવવાથી નાનાંમોટાં ઘર્ષણો ઊભાં થાય છે અને
પરિણામે માણસનું જીવન દુઃખી બને છે. એવાં ઘર્ષણો નિવારવાં હોય તો હળીમળીને
જીવતાં માણસે શીખવું જોઈએ. તુલસીદાસજી કહે છે :
તુલસી યહ સંસારમેં ભાઁતિ ભાઁતિ કે લોગ;
સબસે હિલમિલ ચાલીયે; નદી-નાવ સંજોગ.
સબસે હિલમિલ ચાલીયે; નદી-નાવ સંજોગ.
નદીનાં પાણી ઘૂમરી ખાય, વમળો રચે, પછડાય, વળાંકો લે, પરંતુ નાવ એને કશું
કરી શકે નહિ; નાવને તો પાણીનો ખ્યાલ રાખીને જ ચાલવાનું હોય અને નાવ એનાથી
રિસાઈ પણ શકે નહિ, કારણ કે પાણી વિના એનું કોઈ જીવન જ હોઈ શકે નહિ. પાણી
સાથે જ અને પાણીમાં જ એને જીવવાનું હોય છે. માણસને પણ સમાજમાં જ રહેવાનું
છે. બીજા માણસો સાથે રહીને જ જીવવાનું છે. બધાં જ કાંઈ એની ઈચ્છા મુજબ
વર્તે નહિ કે એનો ખ્યાલ રાખીને ચાલે નહિ. એણે પોતે જ એનો ખ્યાલ રાખવો જોઈએ.
સંપૂર્ણ સંઘર્ષ વિના જીવવાનું કદાચ શક્ય ન બને, પરંતુ બીજા સાથેના
વ્યવહારમાં જો કેટલીક મહત્વની બાબતોનો ખ્યાલ રાખવામાં આવે તો મોટા ભાગનાં
ઘર્ષણોથી બચી શકાય અને એથી બીજાને તો ઠીક પરંતુ આપણને પોતાને ચોક્કસ ફાયદો
થાય. આવી મહત્વની બાબતો ત્રણ છે. બીજા સાથેના વ્યવહારમાં જો આપણે એનો ખ્યાલ
રાખીએ તો એથી આપણું જીવન ઓછા ઉત્પાતવાળું અને વધારે સુખશાંતિવાળું બની
શકે.
[1] ખોટી ધારણાઓ ન બાંધવી અને અવિશ્વાસના બદલે વિશ્વાસથી જીવવું.
[2] માણસો જેવા છે તેવા તેમને સ્વીકારીને જીવવું.
[3] અપેક્ષાઓ ઓછી રાખવી.
ઉપરની ત્રણ બાબતો બીજા સાથેના વ્યવહારમાં ઘણી જ ઉપયોગી છે. માણસ પણ એક
પ્રાણી છે અને તેના સ્વભાવમાં અવિશ્વાસ અને વિશ્વાસ બંને એકસાથે રહેલા છે.
દરેક પ્રાણીને પોતાનું જતન કરવાનું હોય છે, એટલે તે સતત સાવચેત રહે છે. કોઈ
ઉપર પૂરો વિશ્વાસ મૂકતું નથી. માણસ પણ બીજા સાથેના વ્યવહારમાં શંકા અને
અવિશ્વાસથી જ વિચારવાનું શરૂ કરે છે. એટલું જ નહિ, તેની કલ્પનાશક્તિનો ખૂબ
વિકાસ થયો હોવાથી નાની નાની વાતમાં પણ તે મોટી શંકાઓ કરે છે અને એવી શંકાથી
પોતે જ પીડાય છે. આપણા મોટા ભાગનાં ઘર્ષણો બીજા લોકો વિશે આપણે બાંધેલી
ધારણાઓ અને અવિશ્વાસમાંથી જ જન્મ્યાં હોય છે, પરંતુ ઘણી વાર આપણે ધારતા
હોઈએ એવું કશું જ ખરેખર અસ્તિત્વ ધરાવતું હોતું નથી. ઘણા વખત પહેલાં મેં એક
વાર્તા લખી હતી. એમાં અંધારામાં જતો એક માણસ પોતાની પાછળ આવતા બીજા એક
માણસ વિશે એવું ધારે છે કે એ ગુંડો છે. એનાથી બચવા એ ઝડપથી ભાગે છે. પરંતુ
પાછળવાળો માણસ અંધારાથી અને ગુંડાઓથી ડરતો હોય છે અને આગળવાળાનો સંગાથ
ઝંખતો હોય છે, એટલે એ પણ પોતાની ઝડપ વધારે છે. જીવનમાં આવું અવારનવાર બને
છે. આપણે જેમને ખરાબ માનીને તરછોડતા હોઈએ છીએ એ લોકો કાં તો લાચાર
સ્થિતિમાં હોય છે અથવા તો આપણને એવી જ રીતે ખરાબ માનતા હોય છે.
એક માણસને એક વાર એક અગત્યની મિટિંગમાં પહોંચતાં મોડું થઈ ગયું.
રસ્તામાં એ વિચારવા લાગ્યો. સાહેબ કહેશે, ‘મિસ્ટર, તમે કાયમ મોડા પડો છો.’
‘સાહેબ, આજે જ મોડું થયું છે.’
‘ગઈ મિટિંગમાં પણ તમે મોડા હતા.’
‘હું તો સમયસર હતો સાહેબ, આપ વહેલા હતા.’
‘બહાનાં ન કાઢો. હું આવું એ પહેલાં તમારે આવી જવું જોઈએ, સમજ્યા ?’
‘એવો કોઈ કાયદો છે, સાહેબ ?’
‘એટલે ? તમે મને કાયદો ભણાવો છો ?’
‘તમારે ભણવું જ હોય તો હું શું કરું ? તમે જો મારી સાથે કાયદાની વાત કરશો તો હું પણ એ જ ભાષામાં વાત કરીશ.’
‘તો તમારે સહન કરવું પડશે.’
‘તમારાથી થાય તે કરી લેજો. ઓછા ન ઊતરશો.’ આમ વિચારતો વિચારતો એ મિટિંગના
સ્થળે પહોંચ્યો ત્યારે કલાર્કે તેને કહ્યું : ‘સાહેબને એક અગત્યનું કામ આવી
ગયું છે આથી એ થોડા મોડા આવશે.’
‘હું પણ એને દેખાડી દઈશ !’ વિચારમાં ને વિચારમાં એ બોલી ગયો.
કલાર્ક એના સામે તાકી રહ્યો, ‘કોને દેખાડી દેવાની વાત કરો છો ?’
‘સૉરી’, એણે કહ્યું, ‘હું બીજા વિચારમાં હતો.’
કેટલી બધી વાર આપણે આવી રીતે વિચારોની કુસ્તી કરતા હોઈએ છીએ ! કલ્પનાનાં
કેવાં મોટાં દંગલો રચતા હોઈએ છીએ ? વાસ્તવિકતા ઘણી વાર એટલી ખરાબ નથી
હોતી. કોઈએ એવો કિસ્સો લખ્યો છે કે ‘મુગલે-આઝમ’ પિકચરમાં આસિફે સલીમના રોલ
માટે દિલીપકુમારને ઓફર કરી ત્યારે દિલીપકુમારે કહ્યું, ‘રોલ હું કરીશ,
પરંતુ એ માટે પંદર લાખ રૂપિયા લઈશ.’ (પંદર કે વીસ જે આંકડો એણે કહ્યો તે એ
વખતે બહુ મોટો ગણાતો હતો.)
આસિફે કહ્યું : ‘પણ હું તો એકવીસ લાખ આપવા માગું છું !’ માણસ જો થોડીક ધીરજ
રાખે, બીજાના દષ્ટિબિંદુને સમજે, બીજાની વાત સાંભળે, માત્ર પોતાની
કલ્પનાના ઘટાટોપમાં જ ન અટવાઈ જાય તો ઘણી ગેરસમજો નિવારી શકાય. વિનોબાના
બચપણની એક વાત છે. વિનોબાનાં બા ખૂબ જ ધાર્મિક અને સાત્વિક વૃત્તિનાં હતાં.
એમના પડોશમાં મા વિનાનાં નાનાં બાળકો રહેતાં હતાં. વિનોબાનાં માતાજી દરરોજ
એ બાળકો માટે રસોઈ કરવા એમના ઘેર જતાં. એક વાર વિનોબા કહે, ‘બા, તું થોડો
તો ભેદભાવ રાખે જ છે. પહેલાં તું અમારા માટે રસોઈ કરે છે અને પછી તું પેલાં
બાળકો માટે રસોઈ કરવા જાય છે. તને અમે વધારે વહાલાં છીએ.’
માતાજી હસીને કહે : ‘વિનિયા, તારી સમજ બરાબર નથી. એ બાળકો મા વિનાનાં છે.
તમારા માટે હું વહેલા રસોઈ કરી લઉં છું, કારણ કે, તમે ઠંડી થઈ ગયેલી રસોઈ
ખાઓ તો વાંધો નહિ, પણ એમને મા નથી. એમને રોજ ગરમગરમ કોણ ખવડાવે ? એટલે એમનો
સ્કૂલે જવાનો સમય થાય ત્યારે ગરમગરમ જમીને જઈ શકે એટલા માટે હું ત્યાં
મોડી જાઉં છું.’ જીવનમાં કેટલાં બધાં ક્ષેત્રોમાં આપણે ખોટી કલ્પનાઓ કરીએ
છીએ. કેટલા બધા પ્રશ્નો ખોટી રીતે વિચારીએ છીએ. કેટલી નકામી ગરમી અને નકામા
ઝેરનો ભોગ બનીએ છીએ.
આવી હીણી કલ્પનાઓ કરતી વખતે મોટા ભાગે આપણે ફુલાતા હોઈએ છીએ કે સામી
વ્યક્તિ વિશે આપણે કેટલું બધું કલ્પી શકીએ છીએ અથવા તો કેટલું સચોટ જાણી
શકીએ છીએ ! અને પછી આપણી અમુક કલ્પનામાં આપણ કેટલા સાચા હતા એની ડંફાસ પણ
બીજા પાસે મારીએ છીએ; પરંતુ આપણે કેટલી ખોટી કલ્પનાઓ કરેલી, કેટલા મિત્રો
વિશે, કેટલા સંબંધીઓ કે પાડોશીઓ વિશે કેવું ખોટું આપણે ધારી લીધેલું એનો
આપણે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. આપણી આવી જૂઠી કલ્પનાઓ અને ધારણાઓને કારણે
કેટલા કૌટુંબિક સંબંધો, કેટલી મૈત્રીઓ, કેટલા સ્નેહસંબંધો તૂટી જાય છે તેનો
આપણે ક્યારેય વિચાર કરતા નથી. માણસ-માણસ વચ્ચેના વ્યવહારમાં ખોટી કલ્પનાઓ
કે ધારણાઓ કરવાને બદલે સીધેસીધું પૂછી લેવું કે સીધેસીધી રીતે પ્રશ્નોનો
સામનો કરવો તે વધુ સલામત હોય છે. પડોશીઓ વિશે એકલા એકલા મૂંઝાવા કરતાં જે
કંઈ વાત હોય તેની ચર્ચા કરીને ફેંસલો કરી નાખવો, કુટુંબમાં કશુંક અસાધારણ
જોવા મળે તો કલ્પના કે ધારણા કરવા કરતાં સંબધકર્તા વ્યક્તિ સાથે વાતચીત કરી
લેવી, પતિ-પત્ની, સંતાનો અને માતા-પિતાની બાબતમાં ધારણાઓનો આશરો લેવાને
બદલે ખુલ્લા દિલે વાતો કરી લેવી, કોઈ મિત્રનું વિચિત્ર વર્તન જોવા મળે તો
તેનો તાગ લેવા માટે શેરલોક હોમ્સ બનવાના બદલે મિત્રને જ પૂછી લેવું તે
વધારે ફાયદાકારક અને વધારે દુરસ્ત છે.
કોઈએ સાચું કહ્યું છે કે અવિશ્વાસથી પીડાઈને જીવવા કરતાં વિશ્વાસ મૂકીને
નિરાંતે જીવવું વધારે સારું છે. કારણ કે, માણસની ખોટી કલ્પનાઓ એને જેટલી
પીડા આપે છે એટલી પીડા એ જ બાબતનું ખરેખરું દુઃખ પણ આપી શકતું નથી. માણસો
સાથેના વ્યવહારમાં એકબીજા વિશે ખોટી ધારણાઓ બાંધીને અવિશ્વાસથી જીવવા કરતાં
બીજા ઉપર વિશ્વાસ મૂકીને જીવવાથી વધુ સુખશાંતિ મળે છે, એ જ રીતે માણસો
જેવા હોય તેવા તેમને સ્વીકારીને જીવવાથી પણ ઘર્ષણ અને અશાંતિ નિવારી શકાય
છે. મોટા ભાગે આપણે બીજા માણસો વિશે ખોટી કલ્પનાઓ કરીએ છીએ. ક્યારેક
તેમનામાં દુષ્ટતા તો ક્યારેક દેવત્વનું આરોપણ કરીએ છીએ અને જ્યારે આપણને
સાચી સ્થિતિની ખબર પડે છે ત્યારે દુઃખી થઈએ છીએ. પેલા બ્રાહ્મણની વાતમાં
આવે છે એમ વડ ઉપર તડબૂચ જેવડાં ફળ હોવાં જોઈએ એવી કલ્પના કરવાને બદલે જે
હકીકત હોય એને સ્વીકારીને જીવવું જોઈએ. વડ ઉપર નાનકડા ટેટાને બદલે મોટા
તડબૂચ જેવાં ફળ હોવાં જોઈએ એવા મિથ્યા વિચારો કરવાના બદલે વડનું ઝાડ જે
મીઠો છાંયડો આપે એનો ઉપયોગ કરતાં શીખવું જોઈએ.
અબ્રાહમ લિંકન વિશેની એક સરસ વાત છે. લિંકન વકીલ હતા છતાં કેટલીક
બાબતોમાં સામાન્ય વકીલ કરતાં સાવ જુદા પ્રકારના હતા. ગમે એટલા પૈસા મળે તો
પણ ખોટો કેસ એ ક્યારેય લડતા નહિ એ તો ઠીક, પણ મોટા ભાગે પોતાની ફી જતી
કરીને પણ વિરોધીઓ વચ્ચે સમાધાન કરાવી આપતા. તે ગરીબ વકીલ હતા અથવા તો મધ્યમ
વર્ગના હતા અને કોર્ટકેસો લડીને જ તેમને જીવવાનું હતું. છતાં તેમની કરુણા
અપાર હતી અને માણસ તરીકે તે એટલા મોટા ગજાના હતા કે પોતાના સ્વાર્થને જતો
કરીને પણ માણસ માણસ વચ્ચે સુમેળ કરી આપવામાં જ પોતાની શક્તિ ખર્ચતા.
ઈલિનોયની ફુલ્ટન અને મેનાર્ડ કાઉન્ટીમાં તે વકીલાત કરતા. પોતાના ઘોડા ઉપર
કાયદાનાં પુસ્તકો લાદીને એ એક ગામથી બીજે ગામ જતા. એમનો ઘોડો પણ સામાન્ય
હતો, હઠીલો હતો અને ઘણી વાર એમને હેરાન કરતો, છતાં એમનું કામ ચાલતું. એક
વાર એ જ રીતે એ લેવિસ્ટન જતા હતા ત્યારે રસ્તામાં એમને એક ખેડૂત મળ્યો.
‘હલ્લો, અંકલ ટોમી.’ લિંકને ખેડૂતને સલામ કરી, ‘મજામાં છો ને !’
‘અરે, એબ લિંકન, હું તારી પાસે જ આવતો હતો. આ રીતે તું અચાનક મળી ગયો એટલે
બહુ આનંદ થયો. લેવિસ્ટનની કોર્ટમાં આપણે એક કેસ કરવાનો છે.’
‘કઈ બાબતમાં ?’ લિંકને પૂછ્યું.
‘જો ને ભાઈ, જીમ એડમ્સની જમીન અને મારી જમીન બાજુબાજુમાં છે. હમણાં હમણાં એ
મને બહુ હેરાન કરે છે. મેં નક્કી કર્યું છે કે ગમે તે ખર્ચ થાય, પણ એને તો
દેખાડી જ દેવું ! કોર્ટમાં કેસ કર્યા વિના છૂટકો નથી.’
‘અંકલ ટોમી,’ લિંકને કહ્યું : ‘આજ સુધી તમારે અને જીમને ક્યારેય કોઈ મોટો ઝઘડો થયો નથી, બરાબર ને ?’
‘બરાબર.’
‘આમ તો એ સારો પાડોશી છે, બરાબર ને ?’
‘સારો તો નહિ, પણ ઠીક.’
‘છતાં વર્ષોથી તમે એકબીજાના પાડોશી તરીકે જીવો છો એ તો સાચું ને ?’
‘લગભગ પંદર વર્ષથી.’
‘પંદર વર્ષમાં ઘણા સારામાઠા પ્રસંગો આવ્યા હશે અને એકબીજાને મદદરૂપ પણ બન્યા હશો, બરાબર ને ?’
‘એમ કહી શકાય ખરું.’
‘અંકલ ટોમી,’ લિંકને કહ્યું, ‘મારો આ ઘોડો બહુ સારી જાતનો તો નથી જ અને
એનાથી સારો ઘોડો કદાચ હું લઈ પણ શકું. પરંતુ આ ઘોડાની ખાસિયતો હું જાણું
છું. તેનામાં જે કંઈ ખામીઓ છે તેનાથી હું પરિચિત છું અને મારું કામ ચાલે
છે. જો હું બીજો ઘોડો લઉં તો અમુક રીતે તે આના કરતાં સારો પણ હોય, પણ
તેનામાં વળી બીજી કેટલીક ખામીઓ હોય, કારણ કે દરેક ઘોડામાં કંઈક ને કંઈક
ખામી તો હોય જ છે. એટલે મને તો એમ લાગે છે કે આ ઘોડા સાથે મારે નિભાવી
રાખવું એમાં જ ઘોડાનું અને મારું બંનેનું ભલું છે.’ લિંકનની વાત સાંભળીને
ખેડૂતે માથું હલાવ્યું : ‘તારી વાત બરાબર છે, એબ, તારી વાત સાવ સાચી છે.
જીમ એડમ્સ સાથે નિભાવી લેવું એમાં જ એનું અને મારું બંનેનું ભલું છે.’
જિંદગીમાં એકબીજા સાથે જીવતાં જીવતાં આપણે બધાં જ અકળાઈ જઈએ છીએ. કોઈએ
સાચું કહ્યું છે કે, માણસને પણ શાહુડી જેવા કાંટા હોય છે. એકબીજાની બહુ
નજીક જઈએ ત્યારે એ વાગે છે. જે માણસો આપણી નજીક હોય તેની ખામીઓ આપણને દેખાય
છે અને તેમનો કાંટો વાગે ત્યારે આપણે અકળાઈ જઈએ છીએ. પણ આપણે જાણવું જોઈએ
કે કાંટા વિનાની કોઈ શાહુડી હોય એ શક્ય જ નથી. લિંકન કહે છે તેમ દરેક
ઘોડામાં કાંઈક ને કાંઈક ખામી તો હોય જ છે – એકમાં એક પ્રકારની તો બીજામાં
બીજા પ્રકારની અને એવું જ માણસોનંો છે. એટલે એ ખામીઓ સ્વીકારીને જ જીવવામાં
મજા છે. મિત્રોને, સ્નેહીઓને, સગાંવહાલાંને, પતિને, પત્નીને આપણે આપણા
જેવાં બનાવવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ એ તો ક્યારેય શક્ય જ નથી હોતું. એના
બદલે જો આપણે જ તેમને થોડા અનુકૂળ બનીએ તો જિંદગી વધુ સરળતાથી ચાલે છે.
લીમડો કડવો કેમ છે તેનો અફસોસ કરવાના બદલે તેની કડવાશને સ્વીકારીને તેના જે
કંઈ લાભ મળી શકે તે લેવામાં જ ડહાપણ રહેલું છે.
અને માણસો વિશે બીજી સમજવા જેવી વાત એ છે કે, એક જ વ્યક્તિ કોઈ એક રૂપે
બરાબર ન હોય પણ બીજા રૂપે તે ખૂબ જ સારી પણ હોય છે. કોઈ વ્યક્તિ સગા તરીકે
બરાબર ન હોય પણ મિત્ર તરીકે દિલોજાન હોય, પત્ની તરીકે કજિયાખોર હોય પણ
બહેનપણી તરીકે પ્રેમાળ હોય, પાડોશી તરીકે કજિયાખોર હોય પણ સમાજમાં સેવાભાવી
હોય, ભાગીદાર તરીકે લુચ્ચી હોય પણ પાડોશી તરીકે પરગજુ હોય – આમ કોઈ એક
સ્વરૂપે અયોગ્ય લાગતી વ્યક્તિ બીજા સ્વરૂપે ઘણી જ ઉમદા હોય છે. કોઈ વિશે
આપણે જ્યારે અભિપ્રાય બાંધીએ છીએ ત્યારે આપણી સાથે એનો જે છેડો સ્પર્શતો
હોય એને અનુલક્ષીને જ અભિપ્રાય બાંધીએ છીએ. એ અભિપ્રાય હંમેશાં
પૂર્વગ્રહયુક્ત અને એકતરફી હોય છે. આપણા આવા અભિપ્રાયોથી દોરવાઈ જઈને કે
તેને પકડી રાખીને જીવવાના બદલે સહેજ તટસ્થ બનીને વિચાર કરીએ તો બીજા માણસો
આપણને એટલા ખામીવાળા ન લાગે અને જગત એટલું બધું બૂરું અને નઠારું ન લાગે.
દલપતરામનું પેલું કાવ્ય ‘ઊંટ કહે આ સભામાં વાંકાં અંગવાળાં ભૂંડાં,
ભૂતળમાં પશુઓપ ને પક્ષીઓ અપાર છે !’ એમાં ઊંટની કોઈ વાત ખોટી નથી. કોઈની
ચાંચ, કોઈની ડોક, કોઈના નખ, કોઈની પૂંછડી – કોઈ ને કોઈ અંગ દરેકનું વાંકું જ
હોય છે, પણ એ વાંકાં અંગવાળાં પશુપક્ષીઓ સાથે જ આપણે જીવવાનું હોય છે.
એમાં કોઈ ફેરફાર આપણે કરી શકતા નથી. જે કાંઈ હોય એને સ્વીકારીને જીવતાં
શીખીએ તો જ આરામથી જીવી શકીએ. નહિ તો જિંદગી આખી ઝઘડાઓ અને કજિયાઓમાં જ
વિતાવી દેવી પડે. અને મોટા ભાગના માણસો આ રીતે જ અફસોસ કરતા રહે છે :
અરેરે, આવાં નપાવટ છોકરાં પાક્યાં ! આવી પત્ની મળી ! આવો સ્વાર્થી મિત્ર
મળ્યો ! આવો દગાખોર ભાગીદાર મળ્યો ! આવી ખરાબ નોકરી મળી !…. આ યાદી એટલી
લાંબી છે કે જિંદગી અફસોસ કરવામાં જ પૂરી થઈ જાય છે. શિયાળામાં ઠંડી પડે છે
અને પડવાની જ છે. ઉનાળામાં ગરમી સખત પડે છે અને પડવાની જ છે. ચોમાસામાં
વરસાદ વરસે છે અને વરસવાનો જ છે. માણસ સમાજમાં જીવે છે અને જીવવાનો જ છે –
અને એ સમાજ ખામીવાળા માણસોનો જ રહેવાનો છે; કારણ કે દરેક ઘોડા જેમ દરેક
માણસમાં પણ કોઈ ને કોઈ ખામી તો હોવાની જ. એટલે શિયાળામાં ઠંડો કાતિલ પવન
ફૂંકાય ત્યારે તેની સામે ફરિયાદ કરવાના બદલે ગરમ કપડાંની વ્યવસ્થા કરવી અને
ચોમાસામાં વરસાદ તૂટી પડે ત્યારે છત્રીની કે ઓવરકોટની વ્યવસ્થા કરવી એ જ
સારી રીતે જીવવાનો એકમાત્ર ઉપાય છે.
ભગવાન બુદ્ધ કહે છે કે, માણસના દુઃખનું મૂળ તૃષ્ણા છે. માણસની કોઈ પણ
ઈચ્છા જ્યારે ઘૂંટાય છે ત્યારે તે તૃષ્ણા બને છે. આવી તૃષ્ણા જ્યારે ફળતી
નથી ત્યારે તેમાંથી દુઃખ જન્મે છે. માણસના મનમાં તો હજારો ઈચ્છાઓ છટપટતી
હોય છે. એમાંથી જે ઈચ્છા જેટલા પ્રમાણમાં તીવ્ર હોય છે એટલા પ્રમાણમાં એની
નિષ્ફળતાનું દુઃખ પણ તીવ્ર હોય છે. માણસ જ્યારે કશુંક ઈચ્છે છે – તીવ્રપણે
ઈચ્છે છે – અને એ ઈચ્છા જ્યારે પૂરી થતી નથી ત્યારે તે દુઃખ પામે છે. માણસ
સંતાન ઈચ્છે છે અને સંતાન ન થાય ત્યારે દુઃખ અનુભવે છે. સંતાન થાય, પણ એની
ઈચ્છા મુજબનું ન હોય ત્યારે દુઃખ અનુભવે છે. સંતાનનાં સંતાનો પણ જો
ઈચ્છામુજબનાં ન હોય, અથવા તો ઈચ્છા મુજબ ન વર્તે, તો દુઃખ અનુભવે છે. એ જ
રીતે માણસ ધન ઈચ્છે છે, કીર્તિ ઈચ્છે છે, સત્તા ઈચ્છે છે અને એ બધું જ
પોતાની ઈચ્છા મુજબનું ઈચ્છે છે અને ઈચ્છા મુજબ ન મળે ત્યારે દુઃખ પામે છે
અને કોઈ પણ માણસને તેની ઈચ્છા મુજબનું બધું જ ક્યાં મળે છે ? એ શક્ય જ નથી.
શક્ય માત્ર, પોતાની ઈચ્છાઓ પર કાબૂ રાખવાનું છે. એ પણ અઘરું છે, કદાચ
અશક્ય છે; પરંતુ શક્ય હોય તો પણ માત્ર એટલું જ શક્ય છે. બધી જ ઈચ્છાઓ તજી
દેવાનું કોઈ માટે શક્ય નથી. કારણ કે, સામાન્ય માનવી માટે, જિંદગીનું બીજું
નામ જ ઈચ્છા છે. ઈચ્છા વિના એ જીવી શકતો નથી. પરંતુ ઈચ્છાઓ ઓછી તીવ્ર હોય
તો દુઃખ પણ ઓછું તીવ્ર હોય છે. એટલે ઈચ્છા તો દરેકને થાય, પરંતુ એ વધીને,
ફાલીને તૃષ્ણા ન બને એનું ધ્યાન જો માણસ રાખે તો દુઃખ એને ઓછું થાય. એ તો
થઈ ઈચ્છાઓ વિશેની સામાન્ય વાત, પરંતુ એ જ રીતે માનવસમાજમાં પણ આપણે બધાં
એકબીજા પાસેથી અમુક અપેક્ષાઓ રાખીને જ જીવીએ છીએ. પાડોશીઓ, મિત્રો, સંતાનો,
પતિ-પત્ની, સગાંસંબંધી દરેક વિશે આપણા ચોક્કસ ખ્યાલો હોય છે અને દરેક
પાસેથી ચોક્કસ અપેક્ષાઓ હોય છે અને આપણે રાખેલી અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે
આપણને આઘાત પહોંચે છે, દુઃખ થાય છે અને મોટા ભાગે આપણા સંબંધો તંગ બને છે.
માનવસમાજની રચના જ એવી છે કે, માણસોને એકબીજા પાસે સ્વાભાવિક રીતે જ
અપેક્ષાઓ રહે છે. પુત્રે અમુક રીતે વર્તવું જોઈએ એવી અપેક્ષા માતાપિતા
સ્વાભાવિક રીતે જ રાખે છે. મિત્રે અમુક કામ કરવું જ જોઈએ, સગાંસંબંધીઓએ
અમુક રીતે મદદ કરવી જ જોઈએ, પતિ કે પત્નીએ એકબીજાનું અમુક રીતે ધ્યાન
રાખવું જ જોઈએ એવી અપેક્ષાઓ માણસો સ્વાભાવિક રીતે જ રાખે છે. પરંતુ બધી જ
અપેક્ષાઓ ફળતી નથી. આપણે અપેક્ષા રાખીએ ત્યારે આપણે આપણી રીતે જ વિચારીએ
છીએ, સામા પક્ષની સ્થિતિનો વિચાર એની રીતે કરી શકતા નથી. પુત્રનું વર્તન
બરાબર ન હોય ત્યારે આપણે દુઃખ પામીએ છીએ, પરંતુ એવા વર્તન પાછળનાં કારણો
આપણે જાણતા હોતા નથી. મિત્ર કોઈ કામ આપણી અપેક્ષા મુજબ ન કરે ત્યારે આપણને
રીસ ચડે છે, પરંતુ એની સ્થિતિ કે સંજોગોની આપણને ખબર હોતી નથી. પતિ કે
પત્ની આપણી પોતાની ધારણા કરતાં ઊણાં ઊતરે ત્યારે આપણને દુઃખ થાય છે, પરંતુ
આપણી ધારણા તો આપણે પોતે જ બાંધી હોય છે. એ ધારણા પ્રમાણે જ સામી વ્યક્તિએ
જીવવું એવી આપણી જિદ્દ સાચી હોતી નથી. સાચી વાત એ છે કે, આવી બાબતોમાં આપણા
સંબંધો તંગ બને ત્યારે આપણે આપણી અપેક્ષાઓ વિશે થોડું વિચારી લેવું જોઈએ.
કોઈ મિત્ર આપણું કામ ન કરે, પુત્ર કે પુત્રી આપણી અપેક્ષા પ્રમાણે ન વર્તે,
સગાંસંબંધી કે પાડોશી અણગમતું વર્તન કરે, ત્યારે આપણે આપણી પોતાની
અપેક્ષાઓની ખરાઈ કરી લેવી જોઈએ. બીજા પાસેથી આપણે રાખેલી અપેક્ષાઓ ખરેખર
વાજબી હતી ખરી ?
અને, એવું પણ હોઈ શકે કે આપણી અપેક્ષા તદ્દન વાજબી હોય તો પણ સામી
વ્યક્તિની શક્તિ એ કરતાં ઓછી હોય, એવું પણ હોઈ શકે કે, આપણે એના વિશે વધારે
પડતું ધારી લીધું હોય. (અને એમાં આપણો જ વાંક હોય.) એવું પણ બની શકે કે
આપણી અને એની વિચારવાની રીત જ જુદી હોય, કામ કરવાની રીત જુદી હોય, સંજોગો
જુદા હોય. આપણી અપેક્ષાઓ બીજી વ્યક્તિઓ વિશેની આપણી પોતાની કલ્પનાઓમાંથી
જન્મે છે. એ કલ્પનાઓથી જગત આખાને બાંધવાનો મિથ્યા પ્રયત્ન આપણે ન કરવો
જોઈએ, કારણ કે એવા પ્રયત્નથી આખરે આપણે જ દુઃખી થવું પડે છે. રોજેરોજ લાખો
કરોડો માણસો આવી રીતે પોતાની અપેક્ષાઓને કારણે દુઃખ પામે છે. મારો ભાઈ
મારું આટલું કામ ન કરે ? મારો પુત્ર આવી રીતે વર્તે ? મારો મિત્ર આટલી મદદ ન
કરે ? તો પછી, એમના પૈસા, એમની ઓળખાણ, એમનાં સાધનો આપણે શું કામનાં ? એવી
ઓળખાણ, એવા પૈસા, એવાં સાધનો એમની પાસે હોય કે ન હોય, આપણે શું ફેર પડે છે ?
આવું દરરોજ બને છે. હજારો, લાખો માણસોના જીવનમાં બને છે. પરંતુ આને બીજી
બાજુ પણ છે. કેટલાક માણસો બીજા પાસેથી અપેક્ષાઓ રાખવાને બદલે બીજા માટે
કશુંક કરવા પ્રયત્નશીલ રહે છે. એવા માણસો બહુ થોડા હોય છે, પણ હોય છે ખરા.
એવા માણસો આ રીતે વિચારે છે : મારા ભાઈ માટે હું આટલું ન કરું તો કોણ કરે ?
મારા પુત્ર માટે, પિતા માટે, માતા માટે આટલું ન કરી શકું તો મારા જીવનનો
અર્થ શું ? મારા મિત્રને, સગાને, સંબંધીને આટલી મદદ ન કરી શકું તો મારા
પૈસાની, મારાં સાધનોની કે સંબંધોની ઉપયોગિતા શું ? બીજાને જો હું આટલી પણ
મદદ ન કરી શકું, આટલો પણ ઉપયોગી ન થઈ શકું તો મારા હોવા કે ન હોવામાં ફેર
શું ? – આવા માણસો બીજા પાસેથી અપેક્ષાઓ રાખવાના બદલે પોતે બીજા માટે શું
કરવું જોઈએ એનો વિચાર કરે છે અને બીજાઓ માટે કશુંક કરી છૂટીને, મદદરૂપ થઈને
સુખ પામે છે. આવા માણસો ઓછા હોય છે, પરંતુ એમના હોવાને લીધે જ માનવસમાજનું
પ્રદૂષિત વાતાવરણ અવારનવાર શુદ્ધ બનતું રહે છે. વૃક્ષો જેમ તેઓ માત્ર
પોતાનું કામ કરતા રહે છે અને એમનું જોઈને બીજાને પણ એવી રીતે વર્તવાની
પ્રેરણા થાય છે.
મોટા ભાગના માણસો આ દુનિયામાં જાણે કોઈક ઉઘરાણી પતાવવા આવ્યા હોય એવી જ
રીતે વર્તે છે. દરેક વ્યક્તિ પાસે એમનું કશુંક લેણું હોય એવું જ એમનું
વર્તન હોય છે. માતા, પિતા, ભાઈ, ભાંડુ, મિત્રો, સ્નેહીઓ બધાં પાસે તેઓ
અપેક્ષા રાખીને જ જીવે છે. પરંતુ કોઈની પણ જિંદગીના ચોપડામાં એકલું લેણું જ
હોતું નથી, લેણું-દેણું બંને હોય છે. માણસ જો પોતાનું દેણું ફેડવા પ્રયત્ન
કરે તો એને ઘણી રાહત અને હળવાશનો અનુભવ થાય. માણસ બીજા પાસે માત્ર
અપેક્ષાઓ રાખી રાખીને દુઃખી થાય એ કરતાં બીજાને થોડો મદદરૂપ થાય, થોડો કામ
આવે, થોડો ઉપયોગી થાય – માણસ હોવાનું થોડું ઋણ અદા કરે તો અપેક્ષાઓ નિષ્ફળ
જવાથી અનુભવવા પડતા દુઃખના ઓચિંતા ફટકાઓથી બચી શકે.
આમ, માનવસમાજમાં જો આપણે એકબીજા પાસેથી અપેક્ષાઓ ઓછી રાખીએ, બીજા માણસો
જેવા હોય તેવા તેમને સ્વીકારીને અને અવિશ્વાસના બદલે માણસો ઉપર વિશ્વાસ
મૂકીને જીવતાં શીખીએ, તો એથી આપણાં સુખ-શાંતિમાં વધારો થાય. અને આ નાનકડું
જીવન ઘર્ષણ, વલોપાત, કજિયા અને હાયવોયના બદલે સુખશાંતિમાં વીતે એવું કોણ ન
ઈચ્છે ?
[કુલ પાન : 152. કિંમત રૂ. 90. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન
રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663.
ઈ-મેઈલ : goorjar@yahoo.com ]
No comments:
Post a Comment
Thank you.